માન અપમાનથી પર

માન અપમાનથી પર

‘‘ચાલો ચાલો આજે તો બ્રહ્મભોજનમાં મજા પડી જશે. ઘણા દિવસે સારા પકવાન ભાળશું.’’

‘‘હા ભાઇ હા, ચાલો જગ્યા રોકીને બેસી જઇએ. વળી કોઇ બીજો આવી ટપકશે તો ભૂખના ભડાકા સહન નહી થાય.’’ કેવળ ઉદરપોષણ માટે જ ભેખ લીધેલ એવા બેત્રણ વૈરાગીઓ વાતો કરતાં કરતાં ચાલ્યા જાય છે.

નીલકંઠ વર્ણી ગિરનાર પર્વત ઉતરીને જૂનાગઢ શહેરમાં જતાં રસ્તામાં આવેલ ધર્મદાસ નામના મહાત્માની ગોધાવાવની જગ્યાએ પધાર્યા છે. આજે આ જગ્યામાં બ્રહ્મભોજન થતું હતું. ગિરનાર ચઢીને આવેલા વર્ણીને પણ ભૂખ લાગી છે. પોતે પંગતમાં જમવા બેઠા. પતરાવળા પીરસાઇ ગયા, ત્યાં એક અભાગીયો વૈરાગી આવ્યો ને ડોળા કાઢીને વર્ણીને બીવરાવવા લાગ્યો.

‘‘એલા એય, કોને પૂછીને આંહી બેઠો છો ?’’ વૈરાગીએ પોતાનો રોફ દેખાડયોઃ ‘‘કાંઇ ખબર પડે છે કે નહી. આ તો બ્રહ્મભોજન છે. કાંઇ ભિખારા ને લોટમંગાનો ભંડારો નથી. ઉભો થા. કઇ નાત ને કઇ જાત ?’’

વર્ણીએ તેને જવાબ આપ્યોઃ ‘‘ભાઇ અમે પણ બ્રાહ્મણ જ છીએ. ભૂખ્યા છીએ તેથી જમવા બેઠા.’’

‘‘હા, હા, પણ કોઇએ નોતરું દીધું હતું ?’’ વૈરાગીએ બીજુ તીર ફેંક્યુંઃ ‘‘કે પછી ખાવાનું ભાળીને ભટકાઇ પડયો ?’’

‘‘અમે તો ગિરનારની યાત્રા કરીને આવીએ છીએ.’’ નીલકંઠ વર્ણીએ પોતાની ધીરગંભીર વાણીમાં ઉત્તર વાળ્યોઃ ‘‘વળી સાંભળ્યું કે આંહી સદાવ્રત અપાય છે તેથી જમવા માટે આવ્યા છીએ.’’

‘‘પણ કાંઇ માન મર્યાદા છે કે નહી. મોટો ભા’ થઇને પહેલી પંગતમાં બેસી ગયો. આ બીજા સાધુસંતો ક્યાં બેસશે ? મારી માથે ?’’        

બાવાએ પોતાના સાણસા જેવા હાથ ભરાવીને વર્ણીને ઉભા કર્યા.

બાવાએ વર્ણીનું પતરાવળું પણ આંચકી લીધુંઃ ‘‘આ ગિરનારની છાયામાં માળા રાંકા ને દુકાળીયાનો પાર નહી.’’

વર્ણી તે પંગતમાંથી ઊભા થઇને બીજે બેઠા. પેલા બાવાને હતું કે એકવાર પંકિતમાંથી ઊભો કર્યો એટલે જતો રહેશે પણ વર્ણી તો બીજે બેઠા. આ વૈરાગીએ પણ નક્કી કર્યું કે આને આંહી જમવા નથી દેવો.

‘‘એય ત્યાં પણ નહી. તે જગ્યા મારા ગુરુભાઇની છે, માટે ઊભો થા.’’ વર્ણી વળી ત્યાંથી બીજે બેઠા.

ત્યાં પેલો પાછો ઘૂરક્યો ‘‘એય ત્યાં પણ નહી. તે જગ્યા મારા ચેલાની છે.’’ વર્ણી ત્યાંથી ઊઠી પાછળ બેઠા.

વેરાગીનો મગજ ગરમ થયો ને વર્ણીને ત્યાંથી પણ ઊઠાડયા. વર્ણીનું પાણી ભરેલ તુંબડું ઢોળી નાંખ્યું.                                

‘‘માળાને કાંઇ લાજ શરમેય નથી. ટાણું જોઇને ભાણું માંડયું.’’ વૈરાગી ભેખનો કેફ દેખાડવા લાગ્યોઃ ‘‘જા બીજે જમી આવ. આંહી કાંઇ નહી મળે.’’

વર્ણી વાવમાંથી બીજું તુંબડું ભરી લાવ્યા ને બીજે બેઠા. આમ વેરાગીએ સાત વાર વર્ણીને ઊઠાડયા પણ નીલકંઠ વર્ણીના મુખની રેખા ન બદલી. ન ક્રોધ કર્યો, ન કવેણ કહ્યા કે ન કોઇ કાર્યવાહી કરી. તે દિ ધર્મદાસની જગ્યામાં ધીરજતાનો બીજો ગિરનાર ખડો થઇ ગયો. માન અપમાન જેને એક સમાન છે એવા વર્ણી પર્વતપ્રાય બનીને બેસી રહ્યા.

‘‘કાંઇ વાંધો નહી ભાઇઓ.’’ નીલકંઠ બ્રહ્મચારી કહેઃ ‘‘તમે જમી લો પછી વધે તો અમને આપજો બસ.’’

આ સાંભળી પેલા વેરાગીના ક્રોધનો જ્વાળામુખી ભભૂક્યો. નીચતાના છેલ્લે પાટલે બેસી ગયો. વેરાગીએ હોઠ પીસ્યા ને છેલ્લું તીર ફેંક્યું. પીરસવાવાળાને કહી દીધું ‘‘આને કોઇ પીરસશો નહી. ગામમાં જઇને એની મેળે જમી લેશે.’’

‘‘જેવી તમારી મરજી.’’ આમ કહી વર્ણી હસતાં હસતાં ત્યાંથી ઊભા થઇ ચાલવા લાગ્યા. વેરાગીના મનને શાતા વળી ગઇ અને મશ્કરી કરતો કરતો હસવા લાગ્યો.

આ દ્રશ્ય જૂનાગઢના એક નાગર ગૃહસ્થે જોયું ને કાળજે ચરરરર કરતો ચીરો પડયો. ભેખમાં ભગવાન હોય તેતો સાંભળ્યું હતું, પણ ભેખમાં લોઢાની મેખ હોય તે આજે જોયું. જ્યારે બીજી બાજુ વર્ણીને સાત વાર ઊઠાડયા છતાં નહી ટંટો, નહી ગાળ કે નહી પ્રતિકાર. નાગરે પોતાના જીવનમાં પહેલીવાર આવો પ્રસંગ જોયો. વર્ણી પ્રત્યે દયાભાવ ઉભરાયો અને તે પણ વર્ણીની પાછળ પાછળ જૂનાગઢ શહેરમાં આવ્યો.

નીલકંઠ વર્ણી શહેરમાં હાટકેશ્વર મહાદેવના મંદિરમાં આવ્યા. ભગવાન શંકરના દર્શન કર્યા. થોડીવાર વિરામ કરવા ઓટા ઉપર વિરાજ્યા. ત્યાં પેલો નાગર ગૃહસ્થ વર્ણીની પાસે આવ્યો. મુખમંડળનું તેજ જોઇને પાસે બેઠો. વર્ણી પણ તેની સામે જોઇને હસ્યા.