Why hesitate in doing tilak ?
તિલક કરવામાં ક્ષોભ શાનો ?
આજની પેઢીના વિદ્યાર્થીઓ કયારેક શુભ પ્રસંગે ચાંદલો કરવાના સમયે મોઢું બગાડતા હોય છે. કેટલીક શાળા કોલેજોમાં અધ્યાપકો દ્વારા છોકરા-છોકરીઓને ચાંદલા કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે. મોટા ભાગના પુરુષો પોતાને ફેશનેબલ ગણાવવા તિલકને તિલાંજલિ આપી દે છે. સાથે સ્ત્રીઓ પણ કુદરતી દ્રવ્યોનો અનાદર કરી વેલ્વેટ અને પ્લાસ્ટિકના ચાંદલા લગાવે છે. આના દ્વારા સમયની બચત થતી હશે અથવા ચહેરાની શોભા વધતી હશે પરંતુ કુદરતી દ્રવ્યોથી મળતી સુંદરતા, શક્તિ અને સાત્વિક લાભોથી વંચિત રહી જવાય છે. કેટલાક લોકો ધાર્મિક હોવા છતાં તિલક કરવામાં સંકોચ અને શરમ અનુભવે છે. તે યોગ્ય નથી. અરે ભાઈ ! કપાળમાં કોઢ નીકળે તો કયાં છુપાવવા જઈએ છીએ ? અણઈચ્છાએ આવતી વિકૃતિ સહન કરી લેતા હોઈએ તો આતો આપણી સંસ્કૃતિ છે, સન્માનથી સ્વીકારવી જોઈએ. સારા કામમાં શરમ ન રખાય. કાળાં કામો કરવાં હોય તેને તકલીફ પડે એ ખરું ! પરંતુ સજ્જનો અને સુજ્ઞજનો નુકશાન કે ખર્ચ વિના થતાં, ઓછામાં ઓછા પ્રયાસથી વધુ ને વધુ ફળ મળતાં કાર્યને કદી જતું કરતા નથી.
તિલક કરવાથી થતા ફાયદા…
તિલક કરવાથી ધર્મભાવના દૃઢ થાય છે. તિલકધારી જો જાગૃત હોય તો હું ભગવાનનો દાસ છું, એવું અનાયાસે અનુસંધાન રહે છે. ઈશની નાની મોટી આજ્ઞા પાળવાનું બળ મળે છે, જીવનમાં સદાચાર અને નમ્રતા આવે છે. ખોટું કામ કરતા સહેજે અટકીએ છીએ, દુજર્નો આપણને ભક્ત જાણી જાતે જ દૂર રહે. લોકલાજ તૂટે છે. ધીરે ધીરે આત્મબળ અને ઈશ્વરીય આશરાનું બળ પ્રગટે છે. તિલક આપણું અંગરક્ષક બનીને બગડતાં બચાવે છે. કદાચ અવળે માર્ગે દોરાયા તો અન્ય વ્યક્તિઓ આપણા તિલકને કારણે આપણને પાછા વાળે છે. તિલકમાં ભાવનાત્મક શ્રદ્ધા હોવાને કારણે વ્યક્તિનું ધ્યાન શરીરનાં અન્ય અંગોને છોડી મસ્તક પર વિશેષ રહે છે, જે ‘સ્વ’ બોધ તરફ દોરી થાય છે. પોતે પવિત્ર જીવન જીવ્યાનો દિવ્યાનંદ માણી શકે છે. તિલક આપણને સભાન અને સાવધાન બનાવે છે. દા.ત. પોલીસને ખાખી કપડાથી શક્તિ વધતી નથી, નર્સને સફેદ વસ્ત્રોથી સેવા ભાવના વધી જતી નથી, જજને કાળા કોટથી ન્યાયબુદ્ધિ વધતી નથી, પણ એમને પોતાની જવાબદારીનું ભાન રહે તે માટે બાહ્યોપચાર લાભદાયક છે. ઉપરોક્ત પ્રાપ્તિ અને તૃપ્તિ સર્ચ કે રિસર્ચ કરવાથી નહીં પરસર્ચ કરવાથી મળે છે. ખરેખર જાણેલી વાતો કરતાંય માણેલા આનંદને કદી પૂર્ણ વિરામ નથી હોતું.
ઊર્ધ્વપુંડ્ર તિલકનું અદ્વિતીય સ્થાન…
યુ આકારનું ઊર્ધ્વપુંડ્ર તિલક એ ભગવાનના ચરણાર્વિંદનું પ્રતીક છે. શ્રીમદ્ ભાગવતમાં દશમસ્કંધ કથા મુજબ શ્રીકૃષ્ણ પ્રભુ ગ્વાલ બાલ સંગાથે જમુના કિનારે ગેડી દડે રમતા હતા. દડો કાલીન્દ્રીના ધરામાં ગયો. જ્યાં યુગોથી કાલીયાનાગનો નિવાસ હતો. તેના ઝેરથી ધરાનું પાણી ઝેરી બની ગયેલું. અજાણતા કોઈ પશુ પંખી કે માનવ પાણી પી જાય તો તરફડીને મરી જાય. કાલીના ઉદ્ધાર માટે લીલા પુરુષોત્તમ સ્વયં ધરામાં પ્રવેશ્યા. બન્ને વચ્ચે થોડો સંવાદ સધાયો પરંતુ કોઈ સમાધાન ન આવતા ઘમસાણ યુદ્ધ શરૂ થયું. કાલીનાગ પણ દેવતાઈ અંશ હોવાથી બળવાન હતો. પ્રભુએ થોડી જ ક્ષણોમાં કાલીને નાથી લીધો. તેની ફેણ ઉપર નૃત્ય કરવા લાગ્યા. તેના મસ્તકે પ્રભુનાં પાવન પગલાં પડતાં યુ ચિહ્ન અંકિત થયું. કાલીનાગ નિર્વિષ બન્યો. પ્રભુએ કહ્યું તું અહિંથી રમણક દ્વિપમાં જતો રહે. કાલી કહે, જો હું બહાર નિકળું તો ગરુડ મને મારી નાખે. અહીં એને શાપ હોવાથી હું સલામત છું. પ્રભુ કહે, તું નિશ્ચિંત બનીજા. અમારા ચરણ સ્પર્શથી તને અભયપદ પ્રાપ્ત થયું છે. અમારા શરણાગતને માથે કદી કાળ, કર્મ, માયાનો ભય રહેતો નથી. આમ, તિલક એ શરણાગત ભક્તના પ્રતીકરૂપ, સમર્થ ભગવાનની પ્રસાદીભૂત છે.
સામાન્ય રીતે આ તિલકના બે તાર વચ્ચેનું અંતર અરધાથી પોણો ઈંચ હોય છે. અને ત્રણ-સાડાત્રણ ઈંચ લંબાઈ હોય છે. તે ચીપિયા આકારનું હોય છે. તેના પર કંકુ લગાવી કરવાથી વૈષ્ણવી તિલક બની જાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તિલક પર ચંદન લગાવી વચ્ચે કુંમકુમનો ચાંદલો કરાય છે. સ્મૃતિ ગ્રંથોમાં દીપ, વાંસળી, કમળ, મત્સ્ય, કૂર્મ, શંખ, સ્વસ્તિક વગેરે પ્રકારની આકૃતિઓનું વર્ણન જોવા મળે છે. તેમાં ભગવદ્ ચરણાકૃતિ ઊર્ધ્વપુંડ્ર તિલકને ઉત્તમ ગણાવતા સ્મૃતિગ્રંથો કહે છે કે,
– હરેઃ પદાકૃતિમાત્માનો હિતાય …
– સાન્તરાલં પ્રકૃર્વિશ્ન્ ઉર્ધ્વપુંડ્ર પાદકૃતિમ્ …
– ઊર્ધ્વપુંડ્ર મુદ્રા કુર્યાન્ ભસ્મનાતુ ત્રિપુંડ્રિકમ …(ભવિષ્ય પુરાણ)
ચંદન, કુંમકુમ આદિ પૂજા દ્રવ્યો ભગવદ્ પૂજનમાં વપરાયું હોય તે ઉત્તમ ગણાય. તીર્થમાટી સ્વયં પવિત્ર ગણાય. આ અનુભૂતિનો વિષય છે. ખાલી પાણી અને અભિષેકના જળમાં ભૌતિકદૃષ્ટિએ કોઈ ભેદ જણાતો નથી પરંતુ આત્મિકદૃષ્ટિએ મોટો તફાવત પડે છે. પ્રાસાદિક પદાર્થોથી મલિન તત્ત્વો સો ગાઉ દૂર રહે છે. નડતર, ભૂત-પ્રેતાદિકના ઉપદ્રવ વગેરેમાં શાંતિ થાય છે. તેથી કેસર, ચંદન, કુમકુમાદિ દ્રવ્યો વાપરતાં પહેલાં પ્રસાદીનું કરાવવું હિતાવહ છે.