Ganesh Chaturthi

” ગણેશ ચતુર્થી “

લંબોદર ગજવદન શુભસદા તે બાળસ્વરૂપ;

સર્વે પહેલો પૂજીએગૌરીપુત્ર અનૂપ.

એક દંત ત્રિલોચનચતુર્બાહુ શશીભાલ;

વિઘનહર વરદાયકગણપતિ ગૌરી બાલ.

વિશ્વના કોઈપણ ખૂણે વસતો ભારતીય કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં જ ગણેશજીને યાદ કરે છે. પંચદેવમાં ગણેશજીનું સ્થાન છે કારણ કે ગણપતિ મંગલ દેવતા છે. ભગવાન શિવ અને પાર્વતીજીના સુપુત્ર છે.

એકવાર શિવજી કૈલાશમાં તપ કરવા ચાલ્યા જાય છે. ત્યારે પાર્વતીજીની વિજયા અને જયા બન્ને સખીઓ પાર્વતીને કહેવા લાગી : હે દેવીશિવજીની આજ્ઞામાં રહેનારા તો અસંખ્ય ગણો છે પણ તેમની સાથે આપણું મન માનતું નથી માટે આપણા જ થઈને રહે એવા કોઈનું આપ સજર્ન કરોપાર્વતીજીએ મનોમન આ સૂચન ધારી લીધું.

એકવાર પાર્વતીજી માનસરોવરમાં સ્નાન કરવા ગયા. ત્યારે પાર્વતીજીએ પોતાની યોગમાયાથી એક શિશુની મૂર્તિ બનાવી અને તેમાં ચૈતન્ય રેડી દીધું. એ શિશુની મૂર્તિ સજીવન થઈ. પાર્વતીજીએ શિશુનું વિનાયક નામ રાખ્યું. તેણે પાર્વતીજીને પ્રણામ કરી કહ્યું. આપ મારી માતા છો આપની શું સેવા કરું પાર્વતીજીએ એમને ભવનની રક્ષા કરવાનું કહ્યુંમારી આજ્ઞા વગર કોઈને અંદર આવવા દેવા નહીં. વિનાયક દ્વાર પર દંડ લઈને ઊભા રહ્યા. સમયાનુસાર ત્યાં શિવજી પધાર્યા. વિનાયકે શિવજીને અંદર જવાની મનાઈ કરી. શિવજી અને વિનાયક વચ્ચે રકઝક થઈ. અંતે શિવજીએ વિનાયકને ઉદ્ધત જાણી ત્રિશુળથી તેનું મસ્તક કાપી નાખ્યું. પાર્વતીજીને જાણ થતાં વ્યાકુળ થઈ ગયાં. શિવજીને ભૂલ સમજાઈ. શિવજીએ કોઈ નવજાત શિશુનું મસ્તક લાવવા ગણોને કહ્યું. ગણો હાથીના બચ્ચાનું મસ્તક લઈ આવ્યા. તે લગાડતા વિનાયક ફરીથી જીવિત થયા. હાથીનું મસ્તક હોવાથી વિનાયક ‘ગજાનન’ બન્યા.

યુગ પ્રમાણે ગણપતિજીને દસ હાથછ હાથચાર હાથ અને બે હાથ હોય છે. દસભુજ ગણેશજીનું વાહન સિંહછભુજ ગણેશજીનું વાહન મયૂરચારભુજ ગણેશજીનું વાહન અશ્વ છે. તેમણે સિંદૂર નામે દૈત્ય હણેલો ત્યારથી સિંદૂરવદન પણ કહેવાય છે. તેમનું મસ્તક હાથીનું હોવાથી તે ગજાનનપેટ લાંબું હોવાથી લંબોદરકાન હાથીના જેવા લાંબા હોવાથી ગજકર્ણતેમનો રંગ લાલ હોવાથી કપિલભાલ ઉપર ચંદ્રમા ધારણ કરતા હોવાથી ભાલચંદ્ર કહેવાય છે. પુરાણોમાં શ્રી ગણેશજીના બાર નામ અને શારદા-તિલકમાં એકાવન નામ મળે છે. પાર્વતીજી તેમને વિઘ્નેશ કહેતાં અને શિવજી ગણાધ્યક્ષ કહેતા. ગણેશજીને બે માતાઓ હતી. એક માતા પાર્વતીજી અને બીજી માતા તે માલીની રાક્ષસી જેણે ગણેશજીનું પાલન પોષણ કર્યું હતું. માટે ગણેશજીનું ‘દ્વૈમાતુર’ પણ નામ છે. ભાદરવા સુદ ચોથના દિવસે પાર્વતીજી ગણેશજીનું પૂજન કરતા. માટે ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી તરીકે પ્રસિદ્ધ છે. આ દિવસે શ્રીજી મહારાજ પણ ગણપતિનું પૂજન કરાવતા ને સંતો પાસે ગણપતિજીનાં પદો ગવરાવતા.

ગણપતિને જોવા ચાલો સખીગણપતિને જોવા;

સુંદર રૂપ ધર્યું ગિરિજાસુતત્રિભુવનને જો’વા. ચાલો…

ગૌર વરણ ગજવદન ત્રિલોચનદેખીને દુઃખ ખોવા. ચાલો…

દુઃખભંજન દુંદાલા કુંવરનેચરણે ચિત્ત પ્રોવા. ચાલો…

પ્રેમાનંદ કહે પૂજીએ પ્રીતેવિઘ્નને વગોવા. ચાલો…

મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં તથા અન્ય રાજ્યોમાં ગણેશ ચતુર્થીને ભક્તજનો ભારે ધામધૂમથી ઊજવે છે.

ગણપતિ વિવાહ : પ્રજાપતિને બે કન્યાઓ હતી. એક સિદ્ધિ અને બીજી બુદ્ધિ. એક વખત પ્રજાપતિ બન્ને પુત્રીના ગણેશજી અને કાર્તિકેય સાથે લગ્નનો પ્રસ્તાવ લઈને શંકરજી પાસે ગયા. બન્ને કન્યાઓ સાથે હતી. ગણેશજીને જોઈ બન્ને કન્યાઓ ગણેશજીને પરણવા તૈયાર થઈ. બન્ને કન્યાઓનાં લગ્ન ગણેશજી સાથે ધામધૂમથી કરવામાં આવ્યા. સમય જતાં સિદ્ધિને એક પુત્ર થયો. જેનું નામ શુભ રાખવામાં આવ્યું. તે પછી બુદ્ધિને પણ એક પુત્ર થયો જેનું નામ લાભ રાખવામાં આવ્યું. વેપારી વર્ગ ચોપડા પૂજન વખતે ચોપડા ઉપર શુભ અને લાભ લખીને તેમનું આહ્વાન કરે છે. (શીવપુરાણ કુમારખંડ)

એકદંત શા માટે ? : ગણેશજીને એક દંત શા માટે તે અંગે ઘણી કથાઓ સાંભળવા મળે છે. દ્રાવિડ માન્યતા પ્રમાણે જ્યારે ખેતર ખેડવા માટે હળનો વિકાસ થયો ન હતો. ત્યારે સૌ પ્રથમ ગણેશજીએ પોતાના એક દાંતનો હળ તરીકે ઉપયોગ કર્યો હતો. ઉત્તર રામાયણ અને પદ્મપુરાણમાં ગણેશજી અને પરશુરામજીના દ્વંદ્વયુદ્ધનો ઉલ્લેખ છે. આ યુદ્ધમાં પરશુરામજીનો કુહાડો વાગવાથી ગણેશજીનો એક દાંત તુટી ગયો અને ફરીથી ઉગ્યો જ નહીં. આમ ગણેશજી એક દાંતવાળા જ રહી ગયા. બીજા પ્રસંગોમાં રાવણ અને ગજાસુર સાથે યુદ્ધ કરતા તેમનો દાંત તુટી ગયો એવો પણ ઉલ્લેખ છે પણ એક દંત અંગે સૌથી પ્રચલિત કથા આ પ્રમાણે છે : જ્યારે મહાભારત ગ્રંથ લખવા માટે ગણેશજીને કલમની જરૂર પડી. તે વખતે ગણેશજીએ પોતાનો એક દાંત કાઢી નાખ્યો અને એ દાંતમાંથી બનાવેલી કલમ વડે મહર્ષિ વેદવ્યાસના કહ્યા પ્રમાણે તાડપત્રો પર મહાભારત લખતા જ રહ્યા. ત્રણ વર્ષે મહાભારત કથાનું લેખન કાર્ય દાંતમાંથી બનાવેલી કલમ વડે પૂરું કર્યું.

ગણેશજીનું વાહન ઉંદર : ગજમુખાસુર નામનો એક મોટો રાક્ષસ હતો. પોતાના તપોબળથી શંકરજી પાસેથી અમરત્વનું વરદાન મેળવી લીધું હતું. અમરત્વનું વરદાન મળ્યા પછી પૃથ્વી અને સ્વર્ગમાં હાહાકાર મચાવી દીધો. શિવજીએ અમરત્વનું વરદાન આપ્યું હોવાથી રાક્ષસને કેવી રીતે મારવો એ સૂઝતું ન હતું. આ રાક્ષસને ઠેકાણે કરવાનું કાર્ય ગણેશજીને સોંપ્યું. બન્ને વચ્ચે યુદ્ધ થયું. ગજમુખાસુર અમર હતો. વળી અનેક પ્રકારનાં રૂપો ધારણ કરી શક્તો હતો. કોઈવાર સર્પનું રૂપ લઈને આવે તો કોઈ વાર વીછીંનું રૂપ લઈને આવે એક વખત ગજમુખાસુર રાક્ષસે જેવું ઉંદરનું રૂપ ધારણ કર્યું કે તરત જ ગણેશજી તેની ઉપર બેસી ગયા. દરેક દેવ-દેવીઓને વાહન છે. લક્ષ્મીજીને ઘૂવડ વાહન છેઈન્દ્ર મહારાજને વાહનમાં હાથીસરસ્વતીજીને વાહનમાં હંસવિષ્ણુ ભગવાનને વાહનમાં ગરુડ છે. ગણેશજીને દેવપદ મળ્યું ત્યારે શંકરજીએ તેમના વાહન તરીકે આ ગજમુખાસુર ઉંદર રાખ્યો. એ દિવસથી આજ સુધી શ્રી ગણેશજીનું વાહન ઉંદરરૂપ ગજમુખાસુર રાક્ષસ તેમની સમીપે રહે છે.

આર્યમંડળમાં સામેલ થનારા સૌથી છેલ્લા દેવતા ગજાનન છે. ખાસ કરીને મંગલ દેવતા ગણપતિ પાસેથી ઘણું બધું શીખવાનું છે. જેમ કે સુપડા જેવા કાનની ઉત્તમ શ્રવણશક્તિ અને ઝીણી આંખ સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ સૂચવે છે. વિશાળ મસ્તક એ વિશાળ બુદ્ધિ બતાવે છે. મોટું પેટ દરેકની દુઃખદદર્ની વાતો પચાવી જવાનું રહસ્ય બતાવે છે. ટૂંકા પગ તેમની ધીરજ અને સૂંઢ તેમનું દૂરદર્શીપણું સૂચવે છે. ઉંદરને ઈન્દ્રિયોના પ્રતિકરૂપે સમજીએ તો ગણપતિ સંયમના દેવતા થઈ તેની ઉપર અંકુશ રાખનાર બની રહે છે. ચાર હાથમાં અંકુશપાશમોદક અને આશીર્વાદ છે. અંકુશ મનની ઉપર સંયમ રાખવાનુંપાશ ઈન્દ્રિયોને શિક્ષા કરવાનુંમોદક આનંદ કરાવવાનું અને આશીર્વાદ સર્વનું ક્ષેમ થવાનું સૂચવે છે. આમ ભાદરવા સુદ ચોથ એટલે ગણેશજીના દર્શન કરી દરેકમાં ગુણો જોવાનો અને વિસ્તારવાનો ઉત્તમ દિવસ…